અભિવ્યક્તિ · મુક્તપંચિકા · લઘુલિકા · વિવિધા-પ્રકીર્ણ

મુક્તપંચિકા અને લઘુલિકાનો પરિચય

 

‘મુક્તપંચિકા ગુજરાતી ભાષાના સાહિત્યમાં લઘુકાવ્યનો એક વિશિષ્ટ પ્રયોગ છે.

મુક્તપંચિકા આપમાં છુપાયેલા કવિને બહાર આવવા આમંત્રણ આપે છે; આપને કાવ્યસર્જનની પ્રેરણા આપે છે.

ગુજરાતી સાહિત્યમાં કવિતા ક્ષેત્રે આ અનોખો પ્રયોગ સૌ પ્રથમ 2006માં થયો.

મારા પ્રથમ ગુજરાતી બ્લોગ મુક્તપંચિકા તથા કવિતા પર ગુજરાતી ભાષાની પ્રથમ મુક્તપંચિકા રજૂ થઈ. મે, 2006માં ઇન્ટરનેટ પર પ્રસિદ્ધ થયેલ પોસ્ટમાં મુક્તપંચિકા શું છે તે સમજાવ્યું છે. આપ અવશ્ય વાંચશો.

મુક્તપંચિકા ‘લઘુકવિતા’નો એક પ્રકાર છે, જે સમજવો સરળ હોવાથી લોકભોગ્ય પણ છે. વાચકમિત્રો! આપ પણ ખૂબ સરળતાથી મુક્તપંચિકા રચી શકો છો.

પાંચ જ પંક્તિની  મુક્તપંચિકા કોઈ ભાવ રજૂ કરે છે અથવા શબ્દચિત્ર ખડું કરે છે. મુક્તપંચિકા રસાત્મક કે બોધાત્મક પણ હોઈ શકે.

મુક્તપંચિકામાં પાંચ પંક્તિઓ છે. તેની પાંચ પંક્તિઓમાં 27 અક્ષર છે.

મુક્તપંચિકાનું બંધારણ 5-5-7-5-5 છે. પહેલી પંક્તિમાં પાંચ અક્ષર, બીજીમાં પાંચ અક્ષર, ત્રીજી પંક્તિમાં સાત અક્ષર, ચોથીમાં પાંચ અક્ષર અને પાંચમી પંક્તિમાં પણ પાંચ અક્ષર છે. આમ, મુક્તપંચિકાની પાંચ પંક્તિઓમાં 27 અક્ષર છે.

ગુજરાતી ભાષાની પ્રથમ મુક્તપંચિકા વર્ષ 2006માં  મેં નીચે પ્રમાણે રચી:

પાંચ,પાંચ ને

સાત ત્રીજીમાં,

ચોથી-પાંચમી પાંચ,

આમ,બનાવો

મુક્તપંચિકા.

આ પછી મારા ગુજરાતી બ્લૉગ્સ પર મારી મુક્તપંચિકાઓ પ્રકાશિત થતી રહી.

આજે આ મારા બ્લૉગ “મુક્તપંચિકા અને લઘુલિકા” પર સ્વરચિત મુક્તપંચિકાઓ પ્રસિદ્ધ કરવાનું મારું સ્વપ્ન છે. આશા છે, મારા આ નમ્ર પ્રયાસને આપ આવકારશો. આપણા સૌના સહિયારા પ્રયત્નોથી ગુજરાતી ભાષામાં સાહિત્યસર્જનને પ્રોત્સાહન મળે અને ગુજરાતી ભાષાનો પ્રસાર થાય તે એક ઉમદા કાર્ય જ લેખાય ને!

બ્લૉગર મિત્રો! આપ સ્વયં મુક્તપંચિકાઓ રચી આપના બ્લૉગ્સ પર મૂકશો તો મને આનંદ થશે.

વાચક મિત્રો! આપને પણ મુક્તપંચિકા રચવા હું અનુરોધ કરું છું. આપ પણ બહુ સહજતાથી મુક્તપંચિકા રચી શકશો અને આપના પરિવાર-મિત્રો સમક્ષ તે વાંચી ખુશી મેળવશો.

*** ** * *** *

લઘુલિકા

આ બ્લૉગ મુક્તપંચિકા અને લઘુલિકા સાથે ગુજરાતી ભાષામાં લઘુલિકા પા પા પગલી ભરી રહી છે.

‘લઘુલિકા’ શબ્દ ‘લઘુ લઘુનવલિકા’ પરથી પ્રયોજેલ છે. પરંતુ લઘુલિકા માત્ર લઘુ ‘લઘુનવલિકા’ જ કે લઘુ ‘લઘુકથા’ જ નથી; ન્યૂનતમ શબ્દોમાં પ્રગટતું સાહિત્યિક લઘુ-વૃત્તાંત પણ છે.

શબ્દપ્રયોગના લાઘવ થકી લઘુલિકા વાચકની વિચારધારામાં એક અનોખો ચમકારો કરે છે. આપ તેને લાઘવિકા પણ કહી શકો.

લઘુલિકા એટલે કોઈ ઘટના કે વિચારનું અતિ સંક્ષિપ્ત અને સચોટ વૃત્તાંત કે ખૂબ ટચૂકડી વાર્તા કે નાનકડીલઘુ કથા. ગુજરાતી ભાષામાં લઘુલિકાને અન્ય સ્વરૂપોમાં આપ માણી ચૂક્યા છો. વાર્તાલેખનની દ્ર્ષ્ટિએ લઘુલિકા ગુજરાતી વાચકોને પરિચિત છે. તેથી હવે આપ પણ લઘુલિકા લખીને ગુજરાતી સાહિત્યસર્જનમાં યોગદાન આપી શકો છો.  સાથે જ આપને વાર્તાલેખનનો આનંદ પણ મળશે!  લઘુલિકા પચાસથી પણ ઓછા શબ્દોમાં સર્જાઈ શકે! તેની શબ્દમર્યાદા પચાસ, એકસો કે ત્રણસો (કે વધારે?) શબ્દોની પણ હોઈ શકે! આ બ્લૉગ “લઘુલિકા અને મુક્તપંચિકા” પર મેં લઘુલિકાની મહત્તમ શબ્દ મર્યાદા 300 શબ્દની સ્વીકારી છે. આપ એકસો કે તેથી ઓછા શબ્દોની લઘુલિકાને ‘લઘુ લઘુલિકા’ કહેશો તો પણ વાંધો નથી! અરે મિત્ર! નામમાં શું રાખ્યું છે? આપને પસંદ પડે તે નામ રાખજો, પણ લઘુલિકાને વધાવજો જરૂર, માણજો જરૂર…. ગુજરાતી સાહિત્યમાં કઈ લઘુલિકાને ‘ફ્લેશ ફિક્શન’થી લઈ ‘શોર્ટ શોર્ટ સ્ટોરી’થી લઈ ‘માઇક્રોફિક્શન’ સુધીના ચોકઠામાં ક્યાં મૂકવી તે ગુજરાતી ભાષાના સર્જકો અને વાચકો જ નકી કરશે!

આપ ‘મુક્તપંચિકા અને લઘુલિકાબ્લૉગ પર લઘુલિકાઓ વાંચીને આપના પ્રતિભાવ આપતા રહેશો. આભાર.

*** ** * *** *

અભિવ્યક્તિ

આપના મનમાંથી ક્યારેક સહજતાથી શબ્દોની કૂંપળ ફૂટવા લાગે છે? ક્યારેક હ્રદયમાંથી કોઈ વિચાર કે ભાવ અચાનક બહાર આવે છે? ક્યારેક કોઈ વિચારને પાંખો ફૂટે, ક્યારેક કોઈ ભાવ મૂર્તિમંત બને! ક્યારેક ન “હું” હોય, ન તો “તું” હોય, છતાં “હું” અને “તું” વચ્ચે સંવાદ રચાય!  ક્યારેક કશું જ ન ઘટે, છતાં શબ્દો પ્રગટવા લાગે!

વિરલ ક્ષણોમાં અવતરતી આવી સહજ અભિવ્યક્તિ હું તો ખૂબ માણું છું. મારી આવી સહજ અભિવ્યક્તિને આપની સમક્ષ અહીં રજૂ કરું છું.

આપના આંતરમનમાં છુપાયેલા શબ્દો પ્રગટ થવા થનગને, ત્યારે આપ પણ તેને આપની ડાયરીમાં નોંધતા જશો. પરિવાર-મિત્રો સમક્ષ વાંચી આનંદ પામશો.

મિત્રો! આપની, મારી – આપણા સૌની આવી અભિવ્યક્તિ ગુજરાતીમાં સાહિત્ય સર્જનને સમૃદ્ધ કરશે.

ધન્યવાદ.

હરીશ દવે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s